Translate

6. વૃક્ષો Vruksho Trees

          

         વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના પાંદડાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્વ કરે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો વાદળાંને ઠંડાં પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે તેમજ બાળકો રમે છે. વૃક્ષો ધરતીની શોભા વધારે છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી ઉજ્જડ લાગે છે.
       વૃક્ષો આપણને રંગબેરંગી ફૂલો તથા જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વૃક્ષો ઇમારતી લાકડું અને બળતણ આપે છે. કેટલાક વૃક્ષોનાં મૂળિયાં અને પાંદડાં ઔષધિ તરીકે વપરાય છે.
       કેટલાંક વર્ષો પૂર્વે આપણા દેશમાં પણ ગાઢ જંગલો હતાં. એ જંગલોમાં અનેક જંગલી પશુઓ વસવાટ કરતાં. જંગલોથી  એ પશુઓનું અને એ પશુઓથી જંગલોનું રક્ષણ થતું.  જંગલોથી વાતાવરણમાં ઠંડક રહેતી. હવા શુદ્ધ રહેતી. પુષ્કળ વરસાદ વરસતો. આમ, જંગલો આપણા માટે આશીર્વાદરૂપ હતાં. પરંતુ આપણા દેશમાં વસ્તીનો સતત વધારો થતાં વસાહતો, કારખાનાં, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત વધતી ગઇ. વળી, બળતણ માટે અને ઘરનુ રાચરચીલું બનાવવા માટે લાકડાની જરૂરિયાત પડી. આથી આડેધડ જંગલો કપાતાં ગયાં. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટી ગયો. ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. જેટલાં વૃક્ષો કપાયાં તેટલા પ્રમાણમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં નહિ. પરિણામે વરસાદનું પ્રમાણ પણ સતત ઘટતું રહ્યું.  ભૂગર્ભજળનું સ્તર સતત નીચું જઇ રહ્યું છે. પરિણામે વાતાવરણમાં પ્રદૂષણ સતત વધતું જ જાય છે.
       આજે આપણને વૃક્ષોનું મહત્વ સમજાયું છે. સાથેસાથે આપણામાં વસ્તીવિસ્ફોટ પર અંકુશ રાખવાની સભાનતા પણ આવી છે. આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલીત કર્યા છે ' વૃક્ષો વવો, જીવન બચાવો', 'વૃક્ષ જતન, આબાદ વતન', 'એક બાળક, એક ઝાડ', વગેરે. આ બધા સૂત્રો દ્વારા વૃક્ષોનો માહિમા સૂચવાયો છે.
          5 મી જૂન 'વિશ્વ પર્યાવરણદિન' તરીકે અંજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચાવિચારણા થાય છે. તેમાંય વૃક્ષારોપણને ખૂબ મહત્વ આપવામાં આવે છે. આપણા દેશમાં વનમહોત્સવ પણ ઊજવાય છે. તે દિવસે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બન્ને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનોમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેમનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમો યોજવાથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી શકાશે. એના લીધે સૃષ્ટિસૌંદર્યમાં પણ વધારો થશે. વળી, આપણા આજના જટિલ પ્રશ્નો-હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણનું નિરાકરણ પણ થશે. વૃક્ષો  આપણને સંતની જેમ પરોપકારી થવાનો બોધ આપે છે. આપણે વધુ ને વધુ વૃક્ષો  ઉગાડીને પ્રદૂષણને ધટાડવાનું એટલે કે પરોપકારનું કામ કરીએ.

No comments:

Post a Comment

1. Index

અભ્યાસ ( Education ) પ્રેમ એટલે શું ? ( What is Love ) State list of India Best music websites Others