''જનની જોડ સખી, નહિ જડે રે લોલ.''
મા બાળકને જન્મ આપે છે અને તેનું લાલનપાલન કરે છે. તે બાળકને નવડાવે, ખવડાવે અને તેને નવાં-નવાં કપડાં પહેરાવે છે. તે તે બાળકને અઢળક વહાલ કરે છે. તે જરૂરી બધી વસ્તુઓ તેને લાવી આપે છે. તેને ફરવા લઇ જાય છે. પોતાનું બાળક સારું ભણે તેની કાળજી રાખે છે. તે બાળકને સારી સારી વાર્તાઓ કહે છે. બાળક માંદુ પડે ત્યારે મા રાત દિવસના ઉજાગરા વેઠીને બાળકની સેવા કરે છે. મા પોતાનાં સંતાનોની સેવા કોઇ પણ સ્વાર્થ વગર કરે છે. એની એક જ ઇચ્છા હોય છે કે, 'મારું બાળક સુખી થાય.'
બાળક ક્યારેક રડે, તોફાન કરે, માને પજવે, કોઇ વસ્તુ માટે જીદ કરે ત્યારે મા તેને પ્રેમથી સમજાવે છે. ક્યારેક મા તેને શિક્ષા પણ કરે છે. તે વખતે પણ તેના હ્રદયમાં તો બાળક માટે અનહદ પ્રેમ જ હોય છે.
ગાંધીજી અને શિવાજી મહારાજ જેવા મહાપુરુષોના ઘડતરમાં તેમની માતાઓનો ઘણો મોટો ફાળો રહ્યો છે. મા બાળકને જે સંસ્કાર આપી શકે છે તે બીજા પાસેથી તેને ભાગ્યે જ મળે. એટલે જ એક સંસ્કારી મા સો શિક્ષકો કરતાં ષણ ચડિયાતી છે, એમ કહેવાયું છે. માતાની કેળવણીનો મહિમા ગાતાં એક કવિએ કહ્યું છે: 'જે કર (હાથ) ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.'
ગરીબ મા પેટે પાટા બાંધીને પણ બાળકને સારી રીતે ઉછેરે છે. માના પ્રેમમાં ક્યારેય ઓટ આવતી નથી.
માના આપણા પર અનેક ઉપકાર છે. આપણે તેનો બદલો વાળી શકીએ તેમ નથી.
' મા તે મા. '
No comments:
Post a Comment